જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પુંચ જિલ્લામાં આજે સવારે એક ગમખ્વાર અકસ્માતમાં એક ખાનગી બસ ઊંડી ખીણમાં ગબડી પડતાં ૨૩ પ્રવાસીઓના મોત થયા છે અને સાતથી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી કેટલાકની હાલત અત્યંત ગંભીર હોવાનું જણાવાય છે અને તેથી આ અકસ્માતનો મૃત્યુ આંક વધવાની દહેશત છે.

આ ખાનગી બસ ગોલીઓટથી ઉધમપુર જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતાં બસ રસ્તા પરથી ગબડીને ઊંડી ખીણમાં ખાબકતાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જોકે હજુ સુધી અકસ્માતનું કારણ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું નથી.

આ અકસ્માતની વિગતો એવી છે કે આજે સવારે મંડીમાં એક ખાનગી બસ જેકે-૧૪બી-૭૭૭૫ જે ગોલીઓટથી ઉધમપુર જઈ રહી હતી ત્યારે જમ્મુના મંડી વિસ્તારમાં પુંચ નજીક આ બસ ઊંડી ખીણમાં ગબડી પડી હતી.

આ અકસ્માતની જાણ થતાં વહીવટી અને પોલીસ અધિકારીઓ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ પોતાની ટીમ સાથે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને ઘાયલ થયેલા પ્રવાસીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

આ લખાઈ રહ્યું છે ત્યારે પણ રાહત અને બચાવ કામગીરી જારી છે. પોલીસ ઊંડી ખીણમાંથી અકસ્માતનો ભોગ બનેલા પ્રવાસીઓના શબને બહાર કાઢી રહી છે. અકસ્માતમાં ઘાયલ થનારને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે હાલ આ ઘટનાને અકસ્માત તરીકે નોંધીને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. અકસ્માત સર્જાયો ત્યારે પ્રવાસીઓની બચાવો બચાવોની બૂમ સાથે ‌િચ‌િચયારીઓ સમગ્ર ખીણમાં સંભળાતી હતી.

The post જમ્મુમાં પુંચ નજીક ખાનગી બસ ખીણમાં ગબડતાં 23 પ્રવાસીનાં મોતઃ સાત ગંભીર appeared first on Sambhaav News.

Go to Source
Author: divyesh