અમદાવાદ: ગત ચોમાસામાં રૂ.૪પ૦ કરોડના રોડ પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં ઓછા-વધતા પ્રમાણમાં ધોવાતાં તંત્ર અને શાસકોની આબરૂના લીરેલીરા ઊડ્યા હતા. આ મામલે હાઇકોર્ટમાં પીઆઇએલ થતાં હાઇકોર્ટની લાલ આંખના પગલે સત્તાવાળાઓને કસૂરવાર ત્રણ કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ અને ઇજનેર વિભાગના ટોચના અધિકારીઓ સહિતના સ્ટાફને શો-કોઝ નોટિસ ફટકારવી કે સસ્પેન્ડ કરવા કે ઇન્કવાયરીના પગલાં લેવા જેવી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

ત્યાર બાદ રોડ રિસરફેસિંગના નવા કરોડો રૂપિયાના કામમાં અંદાજ કરતાં ખાસ્સા ઊંચા ભાવના ટેન્ડર આવતાં તેને લીલી ઝંડી આપવી પડી હતી. જોકે હજુ પણ રોડ રિસરફેસિંગના અંદાજથી રપ ટકા જેટલા ઊંચા ભાવના ટેન્ડરની બોલબાલા જ છે.

આજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટીના એજન્ડામાં તંત્રના ઉત્તર પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ચાંદલોડિયા વોર્ડ તેમજ અન્ય વોર્ડના રસ્તાઓને રિસરફેસ કરવાના કામમાં અંદાજ કરતાં રપ ટકા વધુ ભાવના રૂ.૬.ર૩ કરોડના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું હોઇ વિવાદ સર્જાયો છે.

આમાં પણ કોન્ટ્રાકટર રચના ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડનું એક માત્ર ટેન્ડર છે. તંત્રમાં રોડ રિસરફેસિંગના કરોડો રૂપિયાના કામ અંદાજ કરતાં રપથી ૩પ ટકા ઊંચા ભાવથી તેમજ સિંગલ ટેન્ડરથી અપાતા હોઇ આ બાબત ચર્ચાસ્પદ બની છે.

આ ઉપરાંત થલતેજ વોર્ડના શીલજ ગામતળ વિસ્તારમાં આરસીસી રોડ તથા પેવર બ્લોક લગાવવા રૂ.૩.૩૩ કરોડનું ટેન્ડર અને હેબતપુર ગામતળ વિસ્તારમાં રૂ.ર.પ૬ કરોડનું ટેન્ડર મંજૂરી માટે મુકાયું છે.

બોડકદેવ વોર્ડમાં બોડકદેવ ગામ ટાંકી પાસેનો રસ્તો રૂ.પર.૯પ લાખના ખર્ચે આરસીસીનો બનાવવાનું કામ, ગોતા વોર્ડમાં સોલા ગામ, ઓગણજ ગામ તથા અન્ય જગ્યાએ આરસીસી પેવર બ્લોકનું રૂ.૩૬.૯પ લાખનું કામ તેમજ વસંતનગર ટાઉન‌િશપ વિસ્તારમાં વડવાળા ચોકથી કબૂતરખાના સુધીના રોડને આરસીસી બનાવવાનું કામ રૂ.૧.૧૧ કરોડનું કામ, સરદારનગર વોર્ડમાં સુભાષનગર રોડ પરના વાલ્મી‌િક આવાસમાં આરસીસી રોડ-પેવર બ્લોકનું રૂ.૬૩.૩૧ લાખનું કામ, ઠક્કરનગરમાં હાઉસિંગ વિસ્તારના રૂ.પ૯.૭૦ લાખનાં કામ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયાં છે.

જ્યારે ઉત્તર ઝોનમાં રોડ માઇક્રોસરફેસિંગનું રૂ.૩.૩૩ કરોડનું કામ, દ‌િક્ષણ ઝોનમાં રૂ.૩.૦પ કરોડનું કામ, મધ્ય ઝોનમાં રૂ.ર.૯૪ કરોડનું કામ, દ‌િક્ષણ પશ્ચિમ ઝોનમાં રૂ.ર.૪૩ કરોડનું કામ અને પશ્ચિમ ઝોનમાં રૂ.૩.૩૪ કરોડનું કામ એમ કરોડો રૂપિયાના રોડ માઇક્રોસરફેસિંગના કામ કોન્ટ્રાકટર ઇન્કા ઇન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલો‌િજસને સોંપવાની તંત્રની વિવિધ દરખાસ્તોએ નવો વિવાદ સર્જ્યો છે. આ તમામ ટેન્ડર આશ્ચર્યજનક રીતે અંદાજ કરતાં ૩૯ ટકા જેટલા નીચા ભાવના છે.

The post રોડ રિસરફેસિંગમાં અંદાજથી 25 ટકા ઊંચા ભાવના ટેન્ડરની બોલબાલા appeared first on Sambhaav News.

Go to Source
Author: divyesh