અમદાવાદ: બીઆરટીએસના સત્તાવાળાઓ દ્વારા કો‌રિડોરમાં ઘૂસતા ખાનગી વાહનચાલકો સામેની ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ એલ કોલોની બાદ વધુ ર૯ બસ સ્ટેશનને એએનપીઆર કેમેરાથી સજ્જ કરાયા છે. આ તમામ કેમેરાને ટ્રાફિક પોલીસના કંટ્રોલરૂમ સાથે જોડી દેવાયા હોઇ છેલ્લા ૮ દિવસથી ટ્રાફિક પોલીસ જે તે ખાનગી વાહનચાલકના નંબર પ્લેટના ફોટાના આધારે ઇ-મેમો ફટકારી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્ત્વાકાંક્ષી બીઆરટીએસ પ્રોજેકટ અમદાવાદમાં દેશના અન્ય શહેરોની સરખામણીમાં સફળ નીવડ્યો છે. પેસેન્જર્સમાં બીઆરટીએસ બસ સર્વિસ તેની નિયમિતતા, સ્વચ્છતા અને ઝડપ માટે વખણાઇ પણ છે, પરંતુ કો‌રિડોરના જે તે ખુલ્લા સર્કલથી બેધકપણે અંદર ઘૂસનારા વાહનચાલકોથી બીઆરટીએસ બસની ઝડપ પ્રભાવિત થાય છે.

અનેક વાર બીઆરટીએસ કો‌િરડોરમાં જ ગેરકાયદે ઘૂસનારા ખાનગી વાહનોથી ટ્રાફિકજામ થતાં એકસાથે પાંચથી છ બીઆરટીએસ બસ સળંગ લાઇનમાં ઊભી રહેલી નજરે પડે છે. આને અટકાવવા તંત્ર દ્વારા બીઆરટીએસના એલ કોલોની ઉપરાંત વધુ ર૯ બસ સ્ટેશન પર (ઓટોમેટિક નંબર પ્લેટ રેકનાઇઝેશન કેમેરા) એએનપીઆર કેમેરા લગાવાયા છે.

બીઆરટીએસ કો‌રિડોર સંલગ્ન ચાર રસ્તાથી અંદર ઘૂસનારા વાહનચાલકો તંત્ર માટે પડકારૂપ બન્યા છે. આ પ્રકારની ખાનગી વાહનોની ઘૂસણખોરી રોકવા સત્તાવાળાઓ ખાનગી સિક્યોરિટી ગાર્ડ બેસાડ્યા છે. જે સામસામે દોરડા ઝાલીને ઊભા રહે છે અને બીઆરટીએસની બસની અવરજવર બાદ કોરિડોરમાં ખાનગી વાહનના થતા પ્રવેશને દોરડા બાંધીને અટકાવે છે.

જોકે આસ્ટોડિયા રોડ જેવા કેટલાક કો‌રિડોરમાં અમુક માથાભારે વાહનચાલકો ગાર્ડસને ધમકાવી-ડરાવીને કો‌રિડોરમાં ઘૂસી જતા હોઇ તેવા દૃશ્યો રોજેરોજ જોવા મળે છે. ટ્રાફિક પોલીસની ડ્રાઇવ દરમિયાન કો‌રિડોરમાં ઘૂસનારા વાહનચાલકો પકડાય છે અને વાહનચાલકોને રૂ. ૧૦૦૦ સુધીનો ભારે દંડ ફટકારાય છે, પરંતુ અનેક વાર તો ટ્રાફિક પોલીસની હાજરીમાં કો‌િરડોરમાં વાહનચાલકો ઘૂસી જાય છે.

જોકે તંત્ર દ્વારા ગત તા.રપ ઓગસ્ટ, ર૦૧૮એ એલ કોલોની બસ સ્ટેશન ખાતે સ્ટ્રિંગ ગેટ અને એએનપીઆર કેમેરાનો પાઇલટ પ્રોજેકટ અમલમાં મુકાયો હતો. આ પાઇલટ પ્રોજેકટની સફળતા બાદ તંત્ર દ્વારા વધુ સ્ટ્રિંગ ગેટ અને એએનપીઆર કેમેરા લગાવવા માટે સર્વે હાથ ધરાયો હતો.

આ સર્વેના આધારે ૧પ૦થી વધુ બસ સ્ટેશન પૈકી ઝાંસીની રાણી જેવા અમુક બસ સ્ટેશનને છોડીને મોટા ભાગના બસ સ્ટેશનને સ્ટ્રિંગ ગેટથી સજ્જ કરવાનો ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવાયો છે. જ્યારે બીઆરટીએસના વધુ ર૯ બસ સ્ટેશનને એએનપીઆર કેમેરાથી સજ્જ કરી દેવાયા છે.

સત્તાવાળાઓના આઇટીએમએસ પ્રોજેકટ હેઠળ જ પ્રતિ નંગ રૂ.૬૦,૦૦૦ની કિંમતના એનપીઆર કેમેરા લગાવાયા છે. શહેરમાં હાલમાં મેટ્રો રેલનું કામકાજ ચાલી રહ્યું છે. મેમનગર ચાર રસ્તા, મોટેરા ચાર રસ્તા, સાબરમતી પોલીસ સ્ટેશન, પાવર હાઉસ જેવા જંકશન તેમજ ફલાય ઓવરબ્રિજની હાથ ધરાયેલી કામગીરીથી ઇન્કમટેકસ જંકશન ખાતે અગાઉ ટ્રાફિક પોલીસ દ્વારા મુકાનારા એએનપીઆર કેમેરાને મ્યુનિસિપલ સત્તાવાળાઓ બીઆરટીએસ કો‌રિડોરના પસંદગીના બીઆરટીએસ બસ સ્ટેશન ખાતે ઉપયોગમાં લઇ રહ્યા છે એટલે તંત્રને કેમેરા માટે એક રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નથી.
અા તમામ એએનપીઆર કેમેરાને પાલડીના કમાન્ડ સેન્ટર, ઉસ્માનપુરાનો બીઆરટીએસ કંટ્રોલરૂમ તેમજ ટ્રાફિક પોલીસના કંટ્રોલરૂમ સાથે જોડી દેવાયા છે. બીઆરટીએસ કો‌રિડોરમાં ઘૂસનારા ખાનગી વાહનના ફક્ત નંબર પ્લેટનો ફોટો પાડશે.

નાઇટ‌િવઝન ધરાવતા એએનપીઆર કેમેરાનું સંચાલન ટ્રાફિક પોલીસ દ્વારા કરાતું હોઇ ખાનગી વાહનચાલકોને ઇ-મેમો પણ ફટકારાઇ રહ્યા છે. હાલના ર૯ બસ સ્ટેશનને પસંદ કરાયા છે એટલે વધુ બસ સ્ટેશનનો નિર્ણય બાદમાં લેવાશે તેમ સ્માર્ટસિટી પ્રોજેક્ટનો હવાલો ધરાવતા ડે. મ્યુનિ. કમિશનર રાકેશ શંકર કહે છે.

The post BRTS કોરિડોરમાં ઘૂસતાં વાહનોને ઈ-મેમો ફટકારવાનું શરૂ appeared first on Sambhaav News.

Go to Source
Author: divyesh